સહજાનંદ સ્વામીએ સંપ્રદાયના વડા બન્યાના બે વર્ષમાંજ ઇ. સ. 1804માં નિષ્કુળાનંદ સ્વામીને યમદન્ડ ગ્રંથ લખવાની આજ્ઞા કરી અને એમ થતા યમદંડ ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાય અને નિષ્કુળાનંદ સ્વામીનો પ્રથમ ગ્રંથ બન્યો. સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, કચ્છી સહિત અનેક ભાષાઓમાં સહજાનંદ સ્વામીની આજ્ઞા મુજબ સાહિત્ય સર્જન થવા માંડ્યું. કેટલાક સંતોને આ માટે સહજાનંદ સ્વામીએ ભણવા મોકલ્યા તો મુક્તાનંદ સ્વામી જેવાને જીવનના અંત સુધી લખવાની આજ્ઞા પણ કરી. સહજાનંદ સ્વામીએ કરાવેલ વિપુલ સાહિત્ય સર્જનમાં એક ગ્રંથ છે આધારાનંદ સ્વામી રચિત શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથ. પોતાની 59 વર્ષની ઉંમરે સ્વામીએ આ ગ્રંથ લખવાની શરૂઆત કરેલી અને વડતાલમાં 13 વર્ષ 5 માસ 14 દિવસ રહી હિન્દીમાં 102564 દોહા ચોપાઈ માં સંપ્રદાયનો સૌથી મોટો ગ્રંથ રચ્યો. ગાંધીનગરના સંત જ્ઞાનપ્રકાશદાસજી સ્વામીએ આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ કર્યો. કુંડળવાળા જ્ઞાનજીવનદાસજી સ્વામીએ આ ગ્રંથને શ્રીહરીની ભક્તિનું માધ્યમ બનાવ્યો. એટલુંજ નહીં આ ગ્રંથને અમર બનાવવા તેને ટીટેનિમ જેવી ધાતુ પર કંડાર્યો. પોતાના 5000થી વધુ અનુયાયીઓ સાથે એક ભવ્ય પદયાત્રા વડોદરાથી વડતાલની કરી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ આ ગ્રંથ 20 નવેમ્બર, 2018ના રોજ વડતાલ મંદિરને અર્પણ કર્યો. સહજાનંદ સ્વામીએ શરૂ કરેલ સાહિત્ય સર્જન , સંવર્ધન ની પરંપરા આજે પણ ગૌરવપૂર્ણ રીતે આગળ વધી રહી છે. બે વર્ષ અગાઉ એક જૈન મુનિએ સહજાનંદ સ્વામી રચિત શિક્ષાપત્રી ગ્રંથને સોનાના પતરામાં લખાવી અર્પણ કરેલ. વડતાલના વર્તમાન આચાર્ય શ્રી પૂ. રાકેશપ્રસાદજી મહારાજશ્રીની નિશ્રામાં થઈ રહેલ સાંપ્રદાયિક સાહિત્ય પ્રવૃત્તિઓ દિશાસુચક છે અને સંપ્રદાય તેનું ગૌરવ લેછે. આ હરિચરિત્રમૃત સાગર ગ્રંથની ટીટેનિયમ આવૃત્તિ ના દર્શન કરી મેં ધન્યતા અનુભવી. જય શ્રી સ્વામિનારાયણ.