શ્રીજી મહારાજની પ્રસાદીની વલ્લભ- વિદ્યાનગરસ્થિત બ્રહ્માજીની મૂર્તિ
આણંદ જિલ્લાના શિક્ષણધામ એવા વલ્લભ વિદ્યાનગર ખાતે, વલ્લભ વિદ્યાનગરની સર્જક સંસ્થા ચારુતર વિદ્યામંડળની ઓફિસના પટાંગણમાં ઐતિહાસીક આંબાના વૃક્ષ નીચે બ્રહ્માજીની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. વલ્લભ વિદ્યાનગરની શરુઆતથી જ અહીં મૂકાયેલ આ પ્રાચીન મૂર્તિ ખંભાત પાસે આવેલા નગરા ગામેથી લાવવામાં આવેલી. આજનું નગરા એ અગાઉનું મહીનગર. જે મહીકાંઠે; આવેલ ગુજરાતનું એક બંદર.
બ્રહ્માજીની આ મૂર્તિ એક જ આરસના પથ્થરમાંથી કોતરેલી છે. 6 ફૂટ ઊંચી એવી આ મૂર્તિના દરેક અંગ અને ઉપાંગ મૂર્તિવિદ્યાના માનસારના ગ્રંથ પ્રમાણે સપ્રમાણ બનાવેલ છે. આ મૂર્તિમાં બ્રહ્માજીની દાઢી ઈરાનીઓના જેવી ત્રિકોણ આકારની છે. બ્રહ્માજીને કિનખાબનો બનાવેલ જાંગીયો (ચડ્ડી) પહેરાવેલ છે. બાકીનું શરીર એકદમ ખુલ્લું છે. મૂર્તિ પર અનેક અલંકાર જોવા મળે છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે પહેલાના વખતમાં બ્રાહ્મણો જનોઈને સ્થાને મૃગચર્મનો પટ્ટો પહેરતા તે પટ્ટો અને જનોઈ બંને આ મૂર્તિ પર જોવા મળે છે. પહેલાનાં વખતમાં બ્રાહ્મણો જોઈને ઠેકાણે મૃગચર્મ બાંધતા;પછીથી મૃગચર્મની જગ્યાએ મૃગના ચામડાની બે ઈચની પહોળી પટ્ટી પહેરતા અને ત્યાર પછીથી આ ચામડાની પટ્ટીની જગ્યાએ સુત્તરની જનોઈ આવી. ભાઈકાકાના મતે, પટ્ટી અને જનોઈ બેના સંધિકાળ વખતે આ મૂર્તિ તૈયાર થઈ હોવી જોઈએ. ઉપરાંત, કમર ઉપર પારસીઓના જેવી કસ્તી બાંધેલી છે. આ કસ્તીની ગાંઠ પણ પારસીઓના માફક પાછલી બાજુએ બાંધેલી છે. પુરાતત્વના અભ્યાસીઓ માને છે કે, હિંદમાં તેમજ હિંદ બહાર બ્રહ્મદેશ, જાવા, હિન્દી, ચીન વગેરે અનેક સ્થળોએ મળી આવેલી બ્રહ્માની અનેક જાતની મૂર્તિઓમાં નગરામાંથી મળેલી આ મૂર્તિ સાથે સરખાવી શકાય એવી સુંદર એક પણ મૂર્તિ નથી.
ભાઈકાકાએ એમના ‘સંસ્મરણો’ માં આ મૂર્તિના પ્રભાવ અંગની એક રસપ્રદ ઘટના નોંધી છે. એમ કહેવાય છે કે, ભગવાન સ્વામિનારાયણ ગુજરાતના વિચરણ દરમિયાન એક વખત ખંભાત ગયેલા ત્યારે તેમને ખંભાતના સત્સંગીઓ નગરા લઈ ગયેલા. નગરામાં પીપળાના ઝાડ નીચે ઊભેલી આ મૂર્તિની સુંદરતા જોઈ ભગવાન સ્વામિનારાયણ એને ભેટી પડેલા. ત્યાર પછી તો સ્વામિનારાયણ સંપ્રદાયનો બહારનો કોઈ સત્સંગી ખંભાત બાજુ જાય તો અચૂક નગરા જતો અને ભગવાન સ્વામિનારાયણે પ્રસાદીની બનાવેલ એવી આ મૂર્તિનાં અચૂક દર્શન કરી આવતો. (પૃ. 409) આમ, શ્રીજી મહારાજે, જેને ભેટીને પ્રસાદીની બનાવેલ તે બ્રહ્માજીની મૂર્તિ ,આજે વલ્લભ વિદ્યાનગર ખાતે ચારુતર વિદ્યામંડળના પટાંગણમાં બિરાજમાન છે. પ્રસાદીની મૂર્તિ તરીકે અને શિલ્પકલાના એક ઉત્તમ નમૂના તરીકે સૌ કોઈએ આ મૂર્તિને માણવી જ રહી.
દિવાસો – 11-8-2018